બનાસકાંઠા જિલ્લો એ 14 તાલુકાઓનો બનેલો છે. પાલનપુર, વડગામ, ડીસા, કાંકરેજ, અમીરગઢ, દાંતીવાડા, દિયોદર, ભાભર, થરાદ, વાવ, ધાનેરા, દાંતા, લાખણી અને સૂઇગામ. આ જિલ્લામાં કુલ 1244 ગામડાઓ છે અને 837 ગ્રામ પંચાયત છે. આ જિલ્લામાં 6 શહેરી વિસ્તાર છે. આ જિલ્લો 23.33 અને 24.45 ઉત્તર અક્ષાંસ અને 73.02 રેખાંશ વચ્ચે આવેલ છે. આ જિલ્લાનું નામ આ જિલ્લાની મધ્યમાં થઇને નીકળથી બનાસ નદી ઉપરથી બનાસકાંઠા પાડવામાં આવ્યું છે. બનાસકાંઠાએ રાજયની દ્રષ્ટિએ ત્રીજો મોટો જિલ્લો છે. કુલ જમીનમાં 6.5% જમીન વિસ્તાર આ જિલ્લા પાસે છે. કુલ વસતિના 5.2% વસતિ આ જિલ્લામાં છે. અમીરગઢ, પાલનપુર, ધાનેરા અને દાંતીવાડાનો અમુક ભાગ તથા દાંતા તાલુકાના ઉત્તર ભાગમાં પર્વતો આવેલા છે. આ વિસ્તારમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ વધારે છે. પશ્ચિમ વિસ્તર એટલે કે વાવ તાલુકાનો અમુક ભાગ રણ વિસ્તાર છે. થરાદ એ ઓછા વરસાદવાળો વિસ્તાર છે. દિયોદર, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડાના અમુક ભાગમાં સિંચાઇની સગવડ મળી રહે છે, જયારે વડગામ, ડીસા અને પાલનપુરનો મોટો ભાગ ખેતી થઇ શકે તેવો વિસ્તાર છે. ડીસાએ બટાટા અને શાકભાજી ઉત્પાદનમાં રાજયમાં નામના ધરાવે છે. આ જિલ્લામાં ખેતીના પાકોમાં ઘઉં, બાજરી, રાયડો, જીરૂ, કપાસ વગેરે ખુબ જ પ્રમાણમાં થાય છે. આ જિલ્લો ઔધોગિક રીતે પછત છે. આ જિલ્લામાં આરસ પત્થરની ખાણો, સિમેન્ટ બનાવટની ઉત્પાદન કરતી ફેકટરીઓ, ઓઇલ મિલો, ચામડા મિલો, સબમર્સિબલ પંપ પ્રા.લિ. કપની, કેબલ વાયર પ્રા.લિ, કંપની, પીવીસી પાઇપ ફેકટરી અને કાગળ મિલો આવેલી છે. આ ઉ૫રાંત હાડકાની ફેકટરી પણ આવેલી છે. આ જિલ્લામાં હીરા ઉદ્યોગ પાલનપુર અને ડીસા શહેરમાં વિકસ્યા છે, અને મોટા ભાગના યુવાનો આ કામ વધુ કરે છે. આ જિલ્લામાં સરેરાશ 430 મી.મી. વરસાદ પડે છે અને સરેરાશ 25 દિવસ વરસાદ વરસે છે. જિલ્લાની કુલ વસતિ, ‘‘વસતિ ગણતરી-2011’’ મુજબ 3120506 છે. જેમાં કુલ સાક્ષર વસતિ 1740194 છે કુલ વસતિના 66.39% છે. જેમાં 1069772 પુરૂષો છે. જેની ટકાવારી 79.45% છે. સ્ત્રીઓની સાક્ષરતા વસતિ 670422છે. જે 52.58% છે. સ્ત્રી સાક્ષરતા ટકાવારી ખૂબજ નીચી છે. રાજયની સ્ત્રી સાક્ષરતા ટકાવારી પણ ખુબજ નીચી છે. રાજયના 70.33% છે. જેની તુલનામાં બનાસકાંઠા જિલ્લાની 52.58% છે. આ જ રીતે પુરૂષોની સાક્ષરતાની ટકાવારી 87.23% છે. જેની તુલનામાં બનાસકાંઠા જિલ્લાની 79.45% છે. બનાસકાંઠાએ રાજયમાં સ્ત્રી અને પુરૂષોની ઓછામાં ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.